આપણે આપણા જીવનમાં 'ઇશ્વર બધે જ છે' વાક્ય કેટલી વાર સાંભળ્યું છે? અને આપણે આ સનાતન સત્ય વિશે જીવનમાં ખરેખર કેટલી વાર વિચાર્યું છે? ઇશ્વર બધે જ છે - બધે એટલે કોઇ વિશિષ્ટ જગ્યા પર નહિ - બધે જ! જો આપણે ખરેખર આ સરળ વિધાનને સમજી લઇએ તો, એમાં આપણા આખા જીવનને બદલવાની ક્ષમતા છે. આ સરળ સનાતન સત્ય આ ગ્રહ પર ચાલનારા લગભગ દરેક મહાત્મા દ્વારા કહેવામાં આવ્યું છે અને પૃથ્વી પરના બધા જ ધર્મોમાં એનો ઉલ્લેખ છે.
જો ઇશ્વરે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન 'શૂન્યાવકાશ'માંથી કર્યું હોય, તો સૃષ્ટિમાં જે કંઇ પણ અસ્તિત્વમાં છે 'એ બધું જ' ઇશ્વરમાં જ છે! હવા, પથ્થર, વૃક્ષ, પશુ, પક્ષી કે માનવ, ઇશ્વર બધે જ વિદ્યમાન છે. આથી આપણે ઇશ્વરને 'જે છે એ બધું જ' અથવા 'અસ્તિત્વ' તરીકે પણ સંબોધી શકીએ છીએ.
ઇશ્વર સંપૂર્ણ ભૌતિક જગતમાં છે તેમજ બીજ બધા 'અપાર્થિવ' વિશ્વોમાં પણ છે! ઇશ્વર મંદિરમાં પણ છે અને મંદિરની બહાર, આપણા શયનખંડમાં, આપણા બાથરૂમમાં, કચરાપેટીમાં અને આપણા બધા વિચારોમાં (ખરાબ વિચારો સહિત) પણ છે! જો આપણે એમ જ માનીએ કે ઇશ્વર માત્ર 'સારી' વસ્તુઓ અને માત્ર 'સારી' જગ્યાઓમાં જ છે, તો આપણે આપણા ધર્મ અને માન્યતાઓના પાયાનું જ ખંડન કરીશું. એ 'ખરાબ વસ્તુઓ', 'ખરાબ લોકો' અને 'ખરાબ જગ્યાઓ'નું સર્જન કોણે કર્યું અને એમને કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વરની મરજી વિના કાંઇ ન થઇ શકે, તો આટલી બધી 'ખરાબ' ઘટનાઓ કેવી રીતે ઘટી શકે?
ચાલો આ સનાતન સત્ય પર જરા વધુ મનન કરીએ. ઇશ્વર બધે જ છે; એટલે કે ભારત, અમેરિકા, ચીન, જાપાન, પાકિસ્તાન કે આપણા સૌર મંડળની બહારનો ગ્રહ, આ બધે જ ઠેકાણે માત્ર એક જ ઇશ્વર સંભવી શકે છે! મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય કોઇ પણ સ્થળ - બધે જ એક જ ઇશ્વર હયાત છે! જો તમે એમ કહો કે મારો ભગવાન અને તારો ભગવાન અલગ છે - તો શું તમારું કહેવું એમ છે કે આ સમગ્ર સૃષ્ટિ આટલી સરસ રીતે અલગ અલગ ભગવાનોના બનેલા એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહી છે? કયા ભગવાનની કઇ હદ છે? અને જો ખરેખર આટલા બધા ભગવાન હોય તો જગતમાં અરાજકતા કેમ નથી? મૂર્તિની અંદર કે બહાર, મંદિરની અંદર કે બહાર , તમારી અંદર કે બહાર - સમગ્ર સૃષ્ટિમાં એક જ ઇશ્વરનો વાસ છે!
જો આપણે કહીએ કે ઇશ્વર 'અહીં' છે તો 'ત્યાં' શું છે? જગતનો 'એ' ભાગ કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વર માત્ર મંદિરમાં જ હોય, તો મંદિરની બહારના આ જટિલ વિશ્વનું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? કરોડો વર્ષોનાં માનવના ઇતિહાસમાં શું એવું કોઇ સ્થળ બાકી હોઇ શકે કે જેણે હિંસા, અત્યાચાર, વ્યભિચાર, નફરત કે અન્ય 'ખરાબ' ઘટનાઓ ન જોઇ હોય? આપણે કોઇ સ્થળને 'પવિત્ર' અને કોઇ સ્થળને 'અપવિત્ર' કઇ રીતે કહી શકીએ જો 'જે કંઇ છે' એ ઇશ્વર જ છે? એક પથ્થર પર છીણી અને હથોડા મારીને એક ખાસ આકાર મેળવ્યા બાદ એ જ પથ્થરની પૂજા કરવામાં આવે છે! પણ એ ખાસ આકાર પહેલાં એ પથ્થરમાં શું હતું?
આપણે ઇશ્વરને માત્ર 'ક્યાંક' અને માત્ર કોઇ 'ખાસ આકાર' કે માત્ર કોઇ 'વિશિષ્ટ નામ'માં જોઇને માત્ર આપણી જાતને છેતરી રહ્યા છીએ અને એ એક જ શક્તિના વિવિધ રૂપો માટે એકબીજાને મારી નાખવા ને બાળી નાખવા તૈયાર થઇ જઇએ છીએ! આપણે આટલા સાદા સનાતન સત્ય 'ઇશ્વર બધે જ છે' નો ખરો અર્થ ક્યારે સમજીશું? આપણે આપણા ખરા ધર્મને ક્યારે અનુસરીશું?
જો આપણે બધે જ એક જ ઇશ્વરને જોવા લાગીએ - બધા જ માનવીઓમાં (આપણા દુશ્મનો, 'અન્ય ધર્મ'ના લોકો અને આપણે જેને નફરત કરીએ છીએ એ બધા સહિત), બધા જ પ્રાણીઓમાં (માત્ર પવિત્ર પ્રાણીઓમાં જ નહિ), બધી જ વનસ્પતિઓમાં (માત્ર પવિત્ર વનસ્પતિ જ નહિ), આપણા બધા જ વિચારોમાં અને આપણા બધા જ કાર્યોમાં; તો શું થશે? શું આપણે હમણાં જ 'બધે જ' ઇશ્વરને જોવાનું શરૂ કરી શકીએ છીએ?
અમિત પરીખ