Thursday, February 28, 2008

તપસ્યા

પ્રશ્ન: સમાધિનો અનુભવ કરવો છે મારે - કૃપા કરશો?

જવાબ: ઋષિમુનિઓની ગાથા - અથાગ તપસ્યા. તમને તો લગભગ તૈયાર ભાણે જમવાનું મળી ગયું છે બેટા - આ કંઇ તપસ્યા કહેવાય? છતાંય જો આટલું પણ ન થાય તો તે જે મળવાનું છે એ પ્રાપ્તિની કિંમત બહુ જ ઓછી આંકી છે. જેના માટે અન્યો હજારો વર્ષ સુધી પરિશ્રમ કરવા તૈયાર હોય - જેના હાટુ મેં કરોડો વર્ષ ખેલ ખેલ્યા હોય એ માટે તને થનારી તકલીફની કોઇ વિસાત જ નથી. માટે ગાંડપણ છોડ અને સખણો રહે! કાં મારી સાથે કાં તારી સાથે. વચમાં વિહાર કરવા માટે કોઇ જગ્યા નથી. કશ્મકશ - સાંકડાશ અનુભવીશ. કાં ફરી તારી દુનિયામાં ચાલ્યો જા - અવિરત દોડ. કાં મારી દુનિયામાં ઝંપલાવ - અવિરત શાંતતા. બેની વચ્ચે બાખડ્યા કરીશ તું તારી સાથે. શા માટે જલ્લાદ પણ શાંત હોય છે? મૃત્યુને નજીકથી જુએ છે - રોજ બરોજ. મૃત્યુની સત્યતા કદાચ તારા મનમાંથી નીકળી ગઇ છે. અવિરત દોડનો છેલ્લો મુકામ છે - સ્મશાન-કબ્રસ્તાન. Short term goal or long term benefits - the decision is really yours - dear!

બે ચાર વાર પણ જો આપણે ભેગા મળ્યા તો પછી એ અવિસ્મરણીય રહેશે. આવો સમય કે મને મળવાનો તને કંટાળો આવતો હોય એ નક્કી નહિ આવે એની ખાતરી. કારણ હજી જેણે મૃગજળ ચાખ્યુ નથી એને એના સ્વાદની શી ખબર? કૃપા તો ત્યારે થાય જ્યારે કૃપા વરસાવવા કોઇ ઉભુ હોય ને તે સ્વીકારવા માટે કોઇ તત્પર હોય. સ્વીકારનારને જો હાથ જોડીને ઉભા રહેવામાં આળસ હોય તો કૃપાળુ પણ કેવી રીતે વરસે? દખલ દઇને તું બાજી ના જીતીશ - છોડી દે એ હઠને - સર્વોપરી મહાન બનવાની. તુચ્છતાની લાગણી સાથે સર્વ કંઇનો ત્યાગ - મન સાવ કોરું. પૂર્ણ ખાલીપો ને ફૂલ ખીલશે વગર મહેનતે. આ જ મહેનત કરવી રહી. અથાગ પરિશ્રમ એટલે કરવો પડે છે કે અનેક જન્મોના થપેડા લાગેલા કાઢતા સમય લાગે છે. કરવાનું છે માત્ર 'કંઇ નહિ' - પણ કંઇ નહિ કર્યા વિના ન રહી શકતા માનવી માટે એ જ સૌથી કપરું કામ છે!

No comments: