Thursday, February 14, 2008

આત્મા

હીરો બનવું હોય તો પૃથ્વીના પેટાળમાં ભયંકર દબાણ સહન કરી વિકાસ પામવો પડે એમ આત્મ પ્રાપ્તિ માટે મનુષ્ય દેહ પામી સ્વને ઓળખવો પડે. એમાં કષ્ટ છે, પણ no gain without pain.

આત્મા આમ એક સાધન છે નિરાકારનું - આકાર લઇ અવતરવા માટે -શ્રેષ્ઠ છે એ પરમાત્માની જેમ જ પણ - એક છૂટો અંશ - જે હજારો વર્ષોની યાત્રા કરી - સ્વબળે સ્વને ઓળખી - પોતાના ચૈતન્ય સ્વરૂપને ઓળખી યાત્રા પૂરી કરે છે.

ત્યારબાદ એ પોતાની દુનિયાનો ખરા અર્થમાં સ્વામી બને છે. પરમાત્મા જેવા ગુણોથી ભરપૂર એ શુદ્ધ આત્મા ઉચ્ચતમ જગતમાં પોતાનો ડંકો વગાડે છે અને સાથે સાથે નિમ્ન સ્તરમાં રહેલા જગતમાં પોતાના જ અવતારોના ઉત્થાનમાં મદદરૂપ થાય છે.

આત્માનો જન્મ એટલે જાણે અબુધ બાળકનો જન્મ. શક્તિઓથી ભરપૂર પણ વિકાસ નથી થયો. ચેતના હજુ સુષુપ્ત અવસ્થામાં છે. વિશાળ શક્તિઓ હજી પોટલામાં બંધ છે. જેમ જેમ એ અભિવ્યક્ત કરતો જાય - સ્વેચ્છાએ સ્વબળે સ્વનો વિકાસ સાધે - અને ધીરે ધીરે બધા પરિબળોને કાબૂમાં લઇ એના સર્જનકર્તા પરમાત્મા જેવો થતો જાય- આખરે બુદ્ધત્વ પામતા પોતાના સ્વરૂપને ઓળખી - બ્રહ્મમાં લીન થઇ શકે છે. પરમાત્મા - આત્મા - શરીર એક એકમ તરીકે કામ કરે છે - અને એ જન્મ આપે છે દૈવી અભિવ્યક્તિને - શાંતતાને ખોળો મળે છે પોતાને અભિવ્યક્ત કરવાનો - સૃજનકર્તા પોતાના સર્જનને માણી શકે છે - એ જ ખરો ધ્યેય છે... રમત, અભિવ્યક્તિ, વિકાસ... સર્જન.. મૃત્યુ... પણ વિકાસ અવિરત ચાલુ રહે છે... દરેકે દરેક ભાગનો.. એમ કરતા એકંદરે એ 'એક' ચેતનાનો.. જેણે પોતાને અસંખ્ય ભાગોમાં વિભાજિત કરી છે... જેથી અભિવ્યક્તિ, વાર્તાલાપ, સર્જન શક્ય બને.

No comments: